મહેસાણા : કોરોનાને પગલે ચીનમાં અભ્યાસ કરતાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણશે

0
7

મહેસાણા : ચીનમાં કોરોના વાયરસની કહેર ચાલી રહ્યો છે. આ દરમ્યાન હેમખેમ પરત ફર્યા પછી ક્યાં સુધી આ વાયરસ ચાલશે તેને લઇને અધૂરા અભ્યાસક્રમ ને લઇને વિદ્યાર્થીઓ – વાલીઓને ચિંતા સતાવી રહી છે. મોટાભાગની યુનિવર્સિટીઓએ વેકશન લંબાવ્યુ છે. ત્યાં ચીનની તિયાંનજીન મેડીકલ યુનિવર્સિટીએ તેમના વિદ્યાર્થીઓને આઇડી-પાસવર્ડ થી યુનિવર્સિટીની વેબસાઇટમાં લોગ ઇન થઇને તા. 17મીથી ઓનલાઇન એજ્યુકેશનમાં જોડાવા મેસેજ કરવામાં આવ્યો છે.જેને પગલે આ યુનિ.ના મહેસાણામાં રહેતા વિદ્યાર્થી વિમલ પટેલે ઘરે વાઇફાઇ ઇન્ટનેટ જોડાણ કરાવી લીધુ અને યુનિ. વેબસાઇટ માં લીકેજ થઇને બાકી સેમેસ્ટર અભ્યાસ પૂરો કરવાની તૈયારી શરૂ કરી છે.
મહેસાણા ના મોઢેરા રોડ નારાયણનગર સોસાયટીમાં રહેતા અને કર્વે હાઇસ્કુલના આચાર્ય અનિલભાઇ પટેલના પુત્ર વિમલે કહ્યુ કે, ચીનના તિયાંનજીન શહેરની મેડીકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ ચાલુ છે. ગત 13 જાન્યુઆરીએ વેકેશનમાં મહેસાણા આવ્યા પછી ચીનમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. આમ તો 12 ફેબ્રુઆરીએ પરત ચીનની ટીકીટ હતી ,જે રદ કરાવી છે ,હવે ક્યારે ચીનમાં સામાન્ય થાય તે હજુ નિશ્ચિત નથી.

આ દરમ્યાન અમારી તિયાંનજીન યુનિવર્સિટીએ મેસેજ કર્યો છે કે આગામી 17મીથી ઓનલાઇન એન્જયુકેશન આપશે . યુનિમાં અમારા આઇ.ડી છે અને યુનિ.ની વેબસાઇટમાં પાસવર્ડથી લોગઇન થવા સુચવાયુ છે,એટલે અહીંયા ઘરે વાઇફાઇ ઇન્ટરનેટ જોડાણ કરાવ્યુ છે.વિષયવાર વિડીયો વગેરે મેડીસીન અભ્યાસક્રમ હવે તા 17મીથી ઓનલાઇન શરૂ થશે.અમારી યુનિ.માં ગુજરાતના 40 વિદ્યાર્થીઓ છે જે તમામને આગામી 17મીથી ઓનલાઇન એજ્યુકેશનનો મેસેજ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હજુ ચીનની વુહાન સીટીથી પરત ફરેલા વિદ્યાર્થીઓ દિલ્હી મેડીકલ ઓબ્ઝર્વેશનમાં છે. આ દરમ્યાન ચીનની વિવિધ યુનિવર્સિટી હવે તેમના વિદ્યાર્થીઓનુ શિક્ષણ ન બગડે તે દિશામાં અધૂરો અભ્યાસ ઓનલાઇન આગળ વધારવાની તૈયારીમાં લાગી છે.જેમાં તિયાંનજીન યુનિ.એ આ શરૂઆત કર્યાનું વિદ્યાર્થી સુત્રોએ જણાવ્યુ હતું.